Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી ચાંદીપુરમ વાયરસ અંગેની મિટિંગ યોજાઈ
૦ થી ૧૪ વર્ષ સુધીના બાળકોમાં કોઈપણ પ્રકારનું લક્ષણ જણાય તો તાત્કાલિકપણે સારવાર કરાવવી
ચાંદીપુરમ વાયરસની સારવાર માટે હેલ્પ લાઈન નંબર ૧૦૪ પર સંપર્ક કરવો
દાહોદ : જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ચાંદીપુરમ વાયરસ અંગેનું જાણકારી સહિત માર્ગદર્શન માટે ઓનલાઇન મિટિંગ યોજવામાં આવી હતી.
આ ચાંદીપુરમ વાયરસથી ૦ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને વધુ જોખમ હોવાથી માતાપિતા સહિત શાળાના સ્ટાફ, આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનોએ પણ જાગૃત રહેવાની જરૂર છે. કોઈપણ બાળકમાં નાનામાં નાનું પણ ચાંદીપુરમનું લક્ષણ જણાય તો પણ તરત જ નજીકના એવા હોસ્પિટલ લઇ જવુ કે જ્યાં આઈ. સી. યુ. તેમજ વેન્ટિલેટરની વ્યવસ્થા હોય એમ કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ તમામ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
મિટિંગ દરમ્યાન કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા આરોગ્ય વિભાગ તેમજ અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા ચાંદીપુરમ વાયરસને લઈને કઈ કઈ પ્રકારની તૈયારી તેમજ કામગીરી કરવામાં આવી રહી છે તેમજ કરવામાં આવશે તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
જિલ્લામાં ડસ્ટિંગ ટીમ દ્વારા જ્યાં જરૂર લાગે તેવા વિસ્તારો અથવા ઘરોની દીવાલોમાં ડસ્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અન્ય બીમારીઓના અને ચાંદીપુરમના લક્ષણો સરખા હોવાથી તમામ વાલીઓ પણ સતર્ક રહી બીમારીની ગંભીરતા સમજે તે જરૂરી છે. ચાંદીપુરમ વાયરસને લઈને દાહોદ જિલ્લા તંત્ર અત્યારે ખુબ જ સતર્ક બન્યું છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવતેએ પી. પી. ટી. દ્વારા ચાંદીપુરમ વાયરસ અંગેની મૂળભૂત સહિત વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સેન્ડફ્લાય એક એવુ જીવજંતુ છે જે ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે. સેન્ડફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડ ફલાય સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે. સેન્ડ ફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તીરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઇંડા મુકે છે. ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા છિદ્રોમાં રહેતી હોય છે.
આ વાયરસના ભોગ ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકો બને છે અને.બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા – ઉલ્ટી થવી, ખેંચ આવવી કે બેભાન થવા જેવી સ્થિતિ જણાતા બાળકને તરત જ નજીકની હોસ્પિટલ અથવા તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરી જરૂરી રીપોર્ટ કરાવવા જોઈએ.
આ વાયરસનાં ફેલાવો મચ્છર તેમજ સેન્ડફ્લાય એટલે કે માટીના વિસ્તારમાં રહેતી માખીથી થતો હોય છે જેથી કરીને માખીનો નાશ કરવો જરૂરી છે જે માટે ડસ્ટિંગ ટીમ દ્વારા એવા શંકા સ્પદ વિસ્તારો કે રહેણાંકોમા ડસ્ટિંગ કરવામાં આવશે. ડસ્ટિંગ કરતી વખતે ડસ્ટિંગ કરનાર ટીમ હેન્ડ ગ્લોવ્ઝ, શૂઝ તેમજ માસ્ક પહેરે તે ખુબ જ જરૂરી છે.
તમામ સંબંધિત અધિકારીશ્રીઓને દરેક ગ્રામ પંચાયતમાં સરપંચ તેમજ તલાટીને આ વિશેની જાણકારી આપી ગામના લોકો પણ ચાંદીપુરમ અંગે જાગૃત થાય તે માટેની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. તેમજ લોકોએ ચાંદીપુરમ વાયરસની સારવાર માટે હેલ્પ લાઈન નંબર ૧૦૪ પર સંપર્ક કરવો એમ તબીબી ટીમ દ્વારા જણાવાયું હતું.
આ મિટિંગ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ઉદય ટીલાવત તેમજ સંબંધિત તબીબી ટીમ ઉપસ્થિત રહી હતી. ઉપરાંત તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તમામ, ટી. એચ. ઓશ્રીઓ ,સી. ડી. પી. ઓ. શ્રીઓ શ્રી તેમજ એ વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપી હતી.