રીપોર્ટ નઈમ મુન્ડા દાહોદ
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ચંપાબેનના પરિવારને અનેક મુશ્કેલીઓમાંથી મળ્યો છુટકારો
પોતાનું પાક્કું ઘર મળતાં સરકારશ્રીનો આભાર માનતો ચંપાબેનનો પરિવાર
સરકાર અમારા જેવાઓની બેલી બની સહારે આવી, નહિતર અમે નો’તું વિચાર્યું કે પાકા મકાનમાં રહેવા મળશે.- લાભાર્થી ચંપાબેન
દાહોદ : દાહોદ જિલ્લામાં સરકાર દ્વારા ગરીબ આદિવાસી પરિવારો માટે અમલમાં મુકવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ દાહોદ જિલ્લાના ચોસાલા ગામના લાભાન્વિત થનારા ગરીબ પરિવારના ચહેરા ઉપર પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થવાનો સંતોષ અને ચહેરા પર સ્મિત જણાતું હતું અને આંખોમાં સરકાર પ્રત્યે અહોભાવ..!
વાત કરીએ અહી દાહોદ શહેરથી થોડે દુર આવેલા ચોસાલા ગામના રહેવાસી એવા ચંપાબેનની. તેઓ પોતાના કહી શકાય એવા ઘર તરફ નજર કરી હાશકારો અનુભવતાની સાથોસાથ પાક્કું ઘર મળ્યાની ખુશી વ્યક્ત કરી ઘરનું સપનું સાકાર થતા ભાવુક થઈ ગયા હતા. આ પરિવારે પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, અમે પહેલા ટાટડા વાળા ને માટીના કાચા ઝુપડામાં રહેતા હતા. પહેલાની અમારી હાલત કહી શકાય એવી નથી. અમે છૂટક મજુરી કરીને રોજનું કમાઈ રોજ ખાઈએ છીએ. થોડી જમીન છે એમાં જે થાય એ ખેતી કરીને ગુજરાન કરતા હતા. પાકું મકાન બનાવવાની કોઈ સ્થિતિમાં નહોતા.
એ ઘરમાં રોજ કઈ ને કઈ તકલીફ પડતી હતી, એમના પરિવાર માટે રોજ નવા દિવસની સાથે નવી મુશ્કેલીઓ એ રોજીંદી થઇ ગઈ હતી, એક જ રૂમ કહી શકાય એવા નાનકડા ઝુપડામાં તેમના ચાર દીકરાઓ, દીકરા-વહુ તેમજ એક દીકરી જોડે એમ પરિવારના સાત જેટલા સભ્યો રહેતા હતા. નાનકડા રૂમમાં આટલા બધા સભ્યોનું રહેવું સરળ નહોતું પરંતુ હાલત જ એવી હતી કે, અમે ના તો બીજો રૂમ બનાવી શકતા હતા કે ના તો પોતાનું ઘર.
અમારી વર્ષો જૂની આ પીડા સરકારે દુર કરી છે. સરકારે સહાય કરતા હવે આવા સરસ મકાનમાં રહેવાની અમારી ઈચ્છા પૂર્ણ થઈ છે. પહેલા તો બીજાના ઘરો જોઇને થતું કે, અમારું આવું ઘર બનશે કે કેમ ને જો બનશે તો ક્યારે આવું ઘર બનશે..! સરકાર અમારા જેવાઓની બેલી બની સહારે આવી, નહિતર અમે નો’તું વિચાર્યું કે આવા પાકા મકાનમાં રહેવા મળશે.
પહેલાં વરસાદના સમયે અમારા ઘરમાંથી પાણી આખા ઘરમાં વહેતું અને ઉપરથી ટપકતું હતું. મોટાભાગે બેન, વહુ, દીકરીઓને પણ ઘણી મુશ્કેલી પડતી હતી. ન્હાવા – ધોવા, સુવાથી લઈને ઘણીએ તકલીફ પડતી હતી, ઉપરથી આજની મોંઘવારીમાં અમારા જેવાઓ માટે ઘર બનાવવું ઘણું અઘરું હતું, પરંતુ હવે સરકારે આર્થિક મદદ કરી એ પછી દરેક બાબતે અમને શાંતિ થઇ ગઈ છે.
હા, તેમના મકાનનું નાનું – મોટું કામ હજી બાકી છે, પરંતુ તેમના પરિવારના માથે જે છત મળી છે જેના કારણે તેઓ દરેક ઋતુ દરમ્યાન થતી અનેકો પ્રકારની હાલાકીથી પરેશાન થતા હતા, જેનાથી હવે અમને ઘણીયે રાહત મળી છે, એમ કહેતા ચંપાબેનના ચહેરા પર જાણે ચમક આવી ગઈ હતી.
Editor & Chief Naeem Munda
Editor:-Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે અમારો સંપર્ક કરો તેમજ સમાચારોની માહિતી આપવા માટે અમારો નીચે આપેલા મોબાઈલ નંબરો ઉપર સંપર્ક કરો
9879867333…9427846262