Insolvency Process Starts Against Byju’s: નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ઓનલાઈન એજ્યુકેશન ટ્યુટર બાયજૂસ વિરૂદ્ધ ભારત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવેલી નાદારીની અરજી સ્વીકારી લીધી છે. બીસીસીઆઈએ બાયજૂસ પર રૂ. 158 કરોડની બાકી ચૂકવણી ન કરવા બદલ ઈનસોલ્વન્સી પ્રક્રિયા શરૂ કરવાની માગ કરી હતી. જેને એનસીએલટીની બેંગ્લુરૂ બેન્ચે મંજૂરી આપી છે. ટ્રિબ્યુનલે વચગાળાના રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે પંકજ શ્રીવાસ્તવની નિમણૂક કરી છે. તેઓ કમિટી ઓફ ક્રેડિટર્સ તરીકે ઓળખાતી કમિટીના ધિરાણદારો સાથે મળી આ પ્રક્રિયા પૂર્ણ કરશે.
સ્પોન્સરશીપ કોન્ટ્રાક્ટમાં નાદાર રહી
ભારતીય ક્રિકેટ ટીમની ટી-શર્ટ પર બાયજૂસની સ્પોન્સરશીપ મામલે બીસીસીઆઈ સાથે કરેલા કોન્ટ્રાક્ટમાં ચૂકવણી કરવામાં બાયજૂસ નિષ્ફળ રહેતાં બીસીસીઆઈએ આ અરજી કરી હતી. ગતવર્ષે બીસીસીઆઈએ બાયજૂસની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રા. લિ. વિરૂદ્ધ રૂ. 158 કરોડની બાકી પર નાદારી નોંધવાના અંગે અરજી દાખલ કરી હતી. આ અરજી પર 15 નવેમ્બરે સુનાવણી થઈ હતી. જેમાં કંપનીએ ઈન્સોલવન્સી મામલો ઉકેલવા બીસીસીઆઈ સાથે વાતચીત કરી હોવાનું જણાવ્યું હતું. તેની અગાઉ પણ બીસીસીઆઈ, આઈસીસી, અને ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફુટબોલ એસોસિએશન (FIFA) સાથે ત્રણ બ્રાન્ડિંગ પાર્ટનરશિપ કરી હતી. તે તમામ પાર્ટનરશીપ 2023માં રિન્યુ થવાની હતી. પરંતુ થઈ શકી ન હતી.
બાયજૂસ પર કટોકટી
બાયજૂસની માર્કેટ વેલ્યૂ સતત ઘટી રહી હોવાથી તેમાં રોકાણ કરનારી ટેક્ ઈન્વેસ્ટર Prosusએ પણ નાણાકીય વર્ષ 2024માં 9.6 ટકા હિસ્સો માંડી વાળ્યો હતો. Prosus એ આ સ્ટાર્ટઅપમાં તેના તમામ રોકાણ માંડી વાળનારી પ્રથમ રોકાણકાર હતી. બાયજૂસની માર્કેટ વેલ્યૂ 2022માં 22 અબજ ડોલર હતી. બાદમાં તે નાણાકીય, કાયદાકીય, અને સંચાલન સંબંધિત સમસ્યાઓ સર્જાતાં માર્કેટ વેલ્યૂમાં મોટો કડાકો નોંધાયો હતો. કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા હાથ ધરાયેલી તપાસમાં બાયજૂસ કોર્પોરેટ અનુપાલનમાં નિષ્ફળ રહી હોવાનું જાણવા મળ્યું હતું. તેમાં સંપૂર્ણપણે ફાઈનાન્સિયલ ફ્રોડ થયો હોવાનો પુરાવો મળ્યો હતો. બાયજૂસના ફાઉન્ડર રવિન્દ્રન દ્વારા નાણાકીય વિગતો છુપાવવા તેમજ ફંડ્સમાં ગેરરીતિ આચરી હોવાનું પુરવાર થયુ હતું.